મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળની સેન્ડવીચ

 શું તમે ડાયેટ પર છો અને તમે માખણવાળી ગ્રીલ્ડ બટાટાની સેન્ડવીચ ખાઇ નથી શકતા? તો આ મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળના સેન્ડવીચનો સ્વાદ અને તેની લહેજત માણો. 

એક વખત જ્યારે તમે આ સેન્ડવીચનો સ્વાદ માણશો, તે પછી તમે મેંદાના બ્રેડવાળા તબિયતને નુકશાનકારક સેન્ડવીચ ખાવાની ક્યારે પણ ઇચ્છા નહીં કરો. 

ફાઇબર અને પ્રોટીનયુક્ત ફણગાવેલા કઠોળ અને વધુમાં તેમાં સાંતળેલા શાકભાજી સાથે તીવ્ર પાંઉભાજીના મસાલાનો સ્વાદ ધરાવતા આ ઘઉંના બ્રેડવાળા સેન્ડવીચનો સ્વાદ તમને યાદ રહી જાય એવો છે. 

વધુમાં આ પૌષ્ટિક સેન્ડવીચ ડાયાબીટીસ્ અને વધારે વજન ધરાવનારા પણ ક્યારેક માણી શકે એવી છે

By: Dietician (Apex Diabetes Thyroid Hormone Clinic) 


સામગ્રી

૧૨ ટોસ્ટ કરેલા ઘઉંના બ્રેડની સ્લાઇસ
૧૨ કાંદાની રીંગ
૨ ૧/૨ ટીસ્પૂન લૉ-ફેટ માખણ

ફણગાવેલા કઠોળના મિશ્રણ માટે

૧ કપ બાફેલા મિક્સ ફણગાવેલા કઠોળ (મગ , મઠ , ચણા વગેરે)
૨ ટીસ્પૂન તેલ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧/૪ ઝીણા સમારેલા સિમલા મરચાં
૧ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ટીસ્પૂન પાંવભાજી મસાલો
૨ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન સંચળ
૩/૪ કપ ઝીણા સમારેલા ટમેટા
મીઠું , સ્વાદાનુસાર

રેસિપી

ફણગાવેલા કઠોળના મિશ્રણ માટે

  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં સિમલા મરચાં, લસણની પેસ્ટ, આદૂની પેસ્ટ, લીલા મરચાં, પાંવભાજી મસાલો, ધાણા-જીરા પાવડર, હળદર અને સંચળ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં ટમેટા અને મીઠું મેળવી અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં ફણગાવેલા મિક્સ કઠોળ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
  5. તે પછી તેમાં ૧ ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મિશ્રણને મૅશર (masher) વડે હલકું છૂંદી લો.
  6. હવે આ મિક્સ કઠોળના મિશ્રણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત
  1. બ્રેડની દરેક સ્લાઇસ પર ૧/૪ ટીસ્પૂન માખણ ચોપડીને બાજુ પર રાખો.
  2. આ બ્રેડની ૧ સ્લાઇસને સાફ સૂકી જગ્યા પર એવી રીતે રાખો કે માખણ ચોપડેલી સપાટી ઉપર રહે.
  3. તે પછી તેની પર તૈયાર કરેલા ફણગાવેલા મિક્સ કઠોળના મિશ્રણનો એક ભાગ મૂકી ઉપર કાંદાની ૨ રીંગ મૂકીને બીજી બ્રેડની સ્લાઇસ (માખણવાળી બાજુ નીચેની તરફ) મૂકી સેન્ડવીચ તૈયાર કરો.
  4. રીતે ક્રમાંક ૨ અને ૩ મુજબ બાકીની ૫ સેન્ડવીચ તૈયાર કરો.
  5. તરત જ પીરસો.

Comments

Popular posts from this blog

ગરમી સ્પેશિયલ પ્રોટીન રિચ શરબત , પળભરમાં થાક થઈ જાય છે ગાયબ,

જવ અને મગની દાળની ખીચડી